કપાસ-રૂની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતા ભારતની રૂ તથા કોટન યાર્નની નિકાસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોટન ટેકસટાઈલ્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીપોર્ટ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની કોટન યાર્નની નિકાસમાં 59 ટકા તથા રૂની નિકાસમાં 73 ટકાનો ઘટાડો થયો છે.
દેશમાં ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે 2021-22ની ગત સીઝનમાં ભાવમાં 140 ટકાનો ધરખમ વધારો થતા તથા ભારતીય ભાવ વૈશ્વિક કિંમત કરતા 20થી25 ટકા ઉંચા હોવાને કારણે નિકાસમાં ફટકો પડયો છે.
રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ગત નાણાં વર્ષમાં 69.5 કરોડ કિલો કોટન યાર્નની નિકાસ હતી તે આ વખતે 28.5 કરોડ કિલો થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર 3 કરોડ કિલોની નિકાસ હતી તે આગલા વર્ષની સરખામણીએ 76 ટકા ઓછી હતી. કાચા કપાસ-રૂની નિકાસ 58.6 કરોડ કિલોથી ઘટીને 15.9 કરોડ કિલો થઈ છે.
કાઉન્સીલના સભ્ય રાહુલ શાહે જણાવ્યું હતું કે, ભારતમાં રૂ-કપાસના પાકનો અંદાજ 3.55 કરોડ ગાંસડીથી ઘટીને 3.15 કરોડ ગાંસડી થતા ભાવમાં અસામાન્ય તેજી થઈ હતી. સામાન્ય રીતે પ્રતિ ગાંસડી 45000 વાળા ભાવ વધીને રૂા.1.10 લાખ પર પહોંચી ગયો હતો. ભારતીય રૂ-કપાસનો ભાવ અન્ય દેશોની વેરાયટી કરતા સરેરાશ 20 ટકા ઉંચો હતો. પરિણામે વીયેતનામ, ચીન તથા તુર્કી જેવા દેશો સાથે નિકાસમાં ઝીંક ઝીલવાનું મુશ્કેલ બની ગયુ હતું.
રસપ્રદ વાત એ છે કે, કાયમી ધોરણે નિકાસ કરતા ભારતે 10000 ટન કોટન યાર્નની વિયેતનામથી આયાત કરી હતી. આવુ પ્રથમ વખત બન્યુ હતું. ચાલુ નવી સીઝનને લાગેવળગે છે ત્યાં સુધી ઘણો આશાવાદ છે. પ્રાથમીક અંદાજ મુજબ દેશમાં 3.50 કરોડ ગાંસડીનું ઉત્પાદન થશે.
સ્પીનર્સ એસોસીએશન ઓફ ગુજરાતના ઉપપ્રમુખ જયેશ પટેલે કહ્યું કે ડીમાંડ હજુ ધીમી જ છે એટલે ખોટ ઘટાડવા માટે સ્પીનીંગ મીલોએ ઉત્પાદનમાં કાપ મુકયો છે. રૂ કપાસના ભાવ નીચે આવવા લાગ્યા હોવાથી થોડા નિકાસ ઓર્ડર મળવા લાગ્યા છે. આવતા દિવસોમાં ભાવ હજુ ઘટી શકે છે.