આ વર્ષે અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે રોહિત શર્માને T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો છે.
T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે, જ્યારે કોચિંગની જવાબદારી રાહુલ દ્રવિડ પાસે રહેશે.
જય શાહે આશા વ્યક્ત કરી છે કે રોહિત શર્માની ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતવામાં ચોક્કસપણે સફળ રહેશે. જય શાહે ગયા વર્ષના વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે. જોકે, ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
કપ્તાન વિશે પ્રશ્ન હતો
ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં જય શાહે પુષ્ટિ કરી કે રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. જય શાહે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, “અમે ભલે 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ હારી ગયા, પરંતુ ટીમ ઈન્ડિયા ચાહકોના દિલ જીતવામાં સફળ રહી છે. ભારતે સતત 10 મેચ જીતી હતી. મને પૂરો વિશ્વાસ છે કે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આ વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે.
અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે તે અંગે સવાલ ઉઠી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની સફર 2022 T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સમાપ્ત થઈ ગઈ. આ પછી રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળી રહ્યો હતો. પરંતુ જાન્યુઆરીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિના બાદ T20 ટીમમાં પરત ફર્યા હતા. રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે રમાયેલી છેલ્લી T20 મેચમાં પણ સદી ફટકારી હતી. ત્યારથી એવી આશા હતી કે રોહિત શર્મા આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.