સનરાઇઝર્સ હૈદરાબાદનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા IPL 2024માં શાનદાર ફોર્મમાં છે. ટીમને શાનદાર શરૂઆત આપીને તે એકલા હાથે પાવરપ્લેમાં જ વિરોધી ટીમને બેકફૂટ પર ધકેલી રહ્યો છે.
જોકે, તેના ગુરુ યુવરાજ સિંહ હજુ પણ અભિષેકના પ્રદર્શનથી ખુશ નથી. અભિષેક ઓછા બોલમાં જોરદાર ઈનિંગ્સ રમી રહ્યો છે, પરંતુ તે પોતાની ઈનિંગ્સને મોટા સ્કોરમાં બદલી શકતો નથી. IPL 2024માં અત્યાર સુધી રમાયેલી ચારેય મેચોમાં અભિષેકને સારી શરૂઆત મળી હતી, પરંતુ આ દરમિયાન તે માત્ર એક જ વાર 50 રનનો આંકડો પાર કરી શક્યો હતો. શુક્રવાર 5 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પણ આવું જ બન્યું હતું. અભિષેક 12 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો.
અભિષેક શર્માના આઉટ થયા પછી, યુવરાજ સિંહે ‘X’ પર લખ્યું, ‘હું તારી પાછળ છું છોકરા… ફરી સારી રીતે રમ્યો – પણ આઉટ થવા માટે ખરાબ શોટ.’
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં અભિષેક શર્માએ બીજી ઓવરમાં જ 26 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી ઓવરમાં પણ આઉટ થતા પહેલા તેણે એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. વધુ રન બનાવવાના લોભને કારણે અભિષેક શર્માએ ખોટા શોટ રમ્યા અને પોતાની વિકેટ દીપક ચહરને ભેટમાં આપી.
અભિષેક શર્માની આ ઈનિંગ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ગેમ ચેન્જિંગ સાબિત થઈ, જેના કારણે તેને આ મેચ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ સ્વીકારતી વખતે અભિષેક શર્માએ યુવરાજ સિંહ, બ્રાયન લારા અને તેના પિતાનો આભાર માન્યો હતો.
તેણે કહ્યું, “બોલિંગમાં, અમને લાગ્યું કે તે થોડી ધીમી વિકેટ છે. અમે જાણતા હતા કે જો અમે પાવરપ્લેમાં રન બનાવીશું, તો તે પછી અમે પ્રવાહ સાથે આગળ વધી શકીએ છીએ. આ IPL પહેલા અમારી પાસે સારી તૈયારી કરવાની તક છે. મોટા સ્કોર મહત્વના છે વ્યક્તિગત સ્કોર, પરંતુ હું આજે પ્રવાહ સાથે ગયો. તે માટે યુવી પાજી, બ્રાયન લારા અને મારા પિતાનો વિશેષ આભાર.”