ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને દુનિયા હિટમેન તરીકે જાણે છે. રોહિત શર્માએ 2014માં શ્રીલંકા સામે એવી ઇનિંગ રમી હતી જે આજે પણ લોકોના દિલમાં જીવંત છે.
શ્રીલંકા સામેની આ મેચમાં એકલા રોહિત શર્માએ વિરોધી ટીમના 10 બેટ્સમેન કરતા વધુ રન બનાવ્યા હતા. તેની આ ઈનિંગ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ અને આ ઈનિંગે રોહિત શર્માનું નામ અમર કરી દીધું.
7 વર્ષ પહેલા શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ પ્રવાસમાં કોલકાતાના ઈડન ગાર્ડનમાં એક મેચ રમાઈ હતી. જ્યાં રોહિત શર્માએ તોફાની બેટિંગ કરી હતી. આ મેચમાં તેણે એકલાએ 264 રનની ઇનિંગ રમી હતી. ODIમાં કોઈપણ બેટ્સમેન દ્વારા રમાયેલી આ સૌથી મોટી ઇનિંગ્સ છે. રોહિત શર્મા પાસેથી આ ઇનિંગની અપેક્ષા ન તો શ્રીલંકાના બોલરોને હતી અને ન તો ભારતીય ખેલાડીઓને.
રોહિત શર્માએ શ્રીલંકાના બોલરોને મેદાનની ચારેબાજુ ડાન્સ કરાવ્યો હતો. હિટમેન 225 મિનિટ સુધી ક્રિઝ પર બેટિંગ કરતો રહ્યો. આ સમયગાળા દરમિયાન, તેણે 175 બોલનો સામનો કર્યો અને 264 ઝડપી ઇનિંગ્સ રમી. આ દરમિયાન તેના બેટમાંથી 33 ચોગ્ગા અને 9 છગ્ગા પણ આવ્યા હતા. રોહિત શર્માની બેવડી સદીની મદદથી ભારતીય ટીમે શ્રીલંકાને જીતવા માટે 404 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે શ્રીલંકાની આખી ટીમ રોહિત શર્માનો મુકાબલો પણ કરી શકી ન હતી અને 43.1 ઓવરમાં શ્રીલંકાની આખી ટીમ 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.