બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં આજે ત્રીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.પરંતુ આ નિર્ણય ખોટો સાબિત થયો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન બોલરો સામે ઢબ થઈ જતાં આખી ટીમ 33.2 ઓવરમાં 109 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સ્પિનરોને 9 વિકેટ મળી હતી. ટીમે પ્રથમ કલાકમાં જ 5 મોટી વિકેટ ગુમાવી દીધી હતી.
ઈંદોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંન્ડિયન ટીમનો દાવ માત્ર 109 રન પર સમેટાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન બોલરોને પીચે સાથ આપતાં ભારતના કોઈ બેટ્સમેન સારી ઈનિંગ રમી શકવામાં નિષ્ફળ રહ્યા છે. શરૂઆતથી જ બોલ ટર્ન થઈ રહ્યો હતો. મૈટ કુન્હેનમેને ઓસ્ટ્રેલિયા તરફથી પાંચ વિકેટ ઝડપી છે. જ્યારે નાથન લાયને 3 વિકેટ મળી છે. ટોડ મર્ફીને પણ એક વિકેટ મળી છે. ભારત તરફથી સૌથી વધુ રન વિરાટ કોહલીએ બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન બોલરો સામે ભારત તરફથી સૌથી વધુ 22 રન વિરાટ કોહલીએ બનાવ્યા હતા જ્યારે અંતમાં ઉમેશ યાદવે 17 રન બનાવી ટીમનો સ્કોર 100 રનને પાર કરવામાં મદદ કરી હતી.
લંચ સુધી ભારતનો સ્કોર 84/7
લંચ સુધીમાં ભારતે સાત વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા છે. હાલમાં રવિચંદ્રન અશ્વિન એક રન અને અક્ષર પટેલ છ રન પર બેટિંગ કરી રહ્યા છે. આજે મેચની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના બોલરોએ તરખાટ મચાવી દીધો હતો. ખાસ કરીને ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના સ્પિનરોને રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ઈનિંગની પહેલી જ ઓવરમાં રોહિત શર્માને મિચેલ સ્ટાર્કના બોલ પર બે જીવનદાન મળ્યા હતા. તે આનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને રોહિત 12 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિકેટોનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને કે. એલ રાહુલની જગ્યાએ રમતા શુભમન ગિલ 18 બોલમાં 21 રન બનાવી કેચ આઉટ થયો હતો.
આ પછી ચેતેશ્વર પૂજારા એક રન બનાવીને આઉટ થયો હતો અને રવિન્દ્ર જાડેજાએ ચાર રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર ખાતું પણ ખોલી શક્યો ન હતો. વિરાટ કોહલી 22 રન બનાવી જ્યારે શ્રીકર ભરત 17 રન બનાવી આઉટ થયા હતા. ડાબોડી સ્પિનરો મેથ્યુ કુહનેમેન અને નાથન લિયોને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કુહનેમેને રોહિત, શુભમન અને શ્રેયસને આઉટ કર્યા હતા. આ સાથે જ લિયોને પુજારા, જાડેજા અને ભરતને પેવેલિયન મોકલી દીધા હતા. કોહલીને ટોડ મર્ફીએ આઉટ કર્યો હતો.
આ અગાઉ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને મોહમ્મદ શમીને પડતા મૂકવામાં આવ્યા છે. રાહુલની જગ્યાએ શુભમન ગિલ અને શમીની જગ્યાએ ઉમેશ યાદવને રમવાની તક મળી છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ કરી રહેલા સ્ટીવ સ્મિથે પણ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. સ્ટાર્કના સ્થાને કેમેરોન ગ્રીન અને કમિન્સની જગ્યાએ વોર્નરને તક આપવામાં આવી છે.
ટીમમાં કોઈ વાઇસ-કેપ્ટન નથી
કેએલ રાહુલને છેલ્લી બે ટેસ્ટમાં વાઈસ કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. આજે પ્લેઈંગ-11ની જાહેરાતમાં કોઈને આ જવાબદારી આપવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે આવું થયું નથી અને ટીમ ઈન્ડિયામાં કોઈને વાઇસ-કેપ્ટન બનાવાયો નથી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા
ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (સી), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટમાં), મિશેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનેમેન.