- અંદાજે 8 મહિના બાદ LPGના ભાવમાં વધારો થયો
- કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો
- બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લેવી મોંઘી થઇ
દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 માર્ચ, 2023 થી કેટલાક મોટા ફેરફારો થયા છે, જેમાંથી કેટલાક તમારા ખિસ્સા પર બોજ વધારશે. સૌથી પહેલા વાત કરીએ મોટા આંચકાની, હોળી પહેલા સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો હુમલો થયો છે અને એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.
આ સિવાય ટ્રેનના ટાઈમ ટેબલથી લઈને સોશિયલ મીડિયાના નિયમો પણ બદલાઈ ગયા છે.
8 મહિના બાદ LPGના ભાવમાં વધારો થયો
હોળી પૂર્વે સામાન્ય જનતાને મોંઘવારીનો જોરદાર ઝાટકો આપ્યો છે. ગેસ વિતરણ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ.50નો વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસમાં વધારો લગભગ 8 મહિના પછી કર્યો છે. જ્યારે કોમર્શિયલ ગેસમાં રૂ.350નો જંગી વધારો કર્યો છે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે
એલપીજી સિલિન્ડરની સાથે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો મોટો વધારો થયો છે. આ પછી દિલ્હીમાં તેની કિંમત 1769 રૂપિયાથી વધીને 2119.5 રૂપિયા, મુંબઈમાં 1721 રૂપિયાને બદલે 2071.5 રૂપિયા, કોલકાતામાં 1870 રૂપિયાના બદલે 2221.5 રૂપિયા અને ચેન્નાઈમાં 1917 રૂપિયાના બદલે 2268 રૂપિયા થઈ ગઈ છે.
બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લેવી મોંઘી છે
બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) એ તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (MCLR) એટલે કે લોનના દરમાં 10 બેસિસ પોઈન્ટ અથવા 0.10 ટકાનો વધારો કર્યો છે. બેંક અનુસાર, નવો MCLR દર આજથી 1 માર્ચ, 2023થી લાગુ કરવામાં આવ્યો છે. આના કારણે હવે બેંકમાંથી હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને ગ્રાહકોને વધુ EMI ચૂકવવી પડશે. અગાઉ બંધન બેંકે પણ મંગળવારે MCLRમાં 16 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, જે 28 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે.
12 દિવસ બેંકો બંઝ રહેશે
જો માર્ચ મહિનામાં બેંકોને લગતું કામ હોય તો RBIની રજાઓની યાદી જોઈને જ ઘરની બહાર નીકળો. વાસ્તવમાં આ મહિનામાં હોળી સહિતના ઘણા તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે અને કુલ 12 દિવસની બેંક હોલિડે હશે. જેમાં બીજા અને ચોથા શનિવાર સહિત રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે.
રેલવે ટાઈમ ટેબલ બદલશે
ભારતીય રેલવે માર્ચમાં તેની ઘણી ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવા જઈ રહી છે અને તેની યાદી આજે જાહેર થઈ શકે છે. અહેવાલો અનુસાર 1 માર્ચથી હજારો પેસેન્જર ટ્રેન અને 5 હજાર ગુડ્સ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
સોશિયલ મીડિયા નિયમો
માર્ચ મહિનો સોશિયલ મીડિયા યુઝર્સ માટે પણ ખાસ છે, કારણ કે તેઓ ઘણા ફેરફારો પણ જોઈ શકે છે. તાજેતરમાં ભારત સરકારે IT નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 1લી માર્ચથી અમલમાં આવી રહ્યા છે. ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે નવા નિયમોનું પાલન કરવું પડશે. ભડકાઉ પોસ્ટ પર દંડથી લઇને અન્ય વસ્તુઓ જોવા મળશે.