તા.05-11-2022
આઈસીસી ટી-20 વર્લ્ડકપના સેમિફાઈનલની રેસમાંથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા લગભગ બહાર થઈ ચૂક્યું છે. સુપર-12ના પોતાના અંતિમ મેચમાં અફઘાનિસ્તાનને ચાર રને હરાવીને ટીમે બે મહત્ત્વપૂર્ણ પોઈન્ટ તો હાંસલ કર્યા પરંતુ આ બે પોઈન્ટ તેને સેમિફાઈનલમાં પહોંચાડવા માટે કાફી નથી. ગ્રુપ-1માં પેચ હવે રનરેટ ઉપર આવીને ફસાયો છે.
આ ગ્રુપમાં ન્યુઝીલેન્ડ ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ઈંગ્લેન્ડ પોતાની અંતિમ મેચ હવે શ્રીલંકા સામે રમશે. આવામાં ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાંથી કોણ સેમિફાઈનલમાં પહોંચશે તે હવે શ્રીલંકા ટીમ ઉપર નિર્ભર થઈ ગયું છે. શ્રીલંકાની જીત-હાર હવે ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાના ભાગ્યનો નિર્ણય કરશે.
સુપર-12માં ઑસ્ટ્રેલિયન ટીમે પાંચ મેચમાંથી ત્રણમાં જીત હાંસલ કરી છે. જ્યારે એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ રીતે તેની પાસે સાત પોઈન્ટ છે પરંતુ રનરેટ મામલે તે ઈંગ્લેન્ડ કરતાં પાછળ છે. ઑસ્ટ્રેલિયાની પાંચ મેચમાં રનરેટ -0.173 છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે હજુ શ્રીલંકા વિરુદ્ધ પોતાની અંતિમ મેચ રમવાની છે અને તેની પાસે ચાર મેચમાં પાંચ પોઈન્ટ છે પરંતુ તેની રનરેટ +0.547 છે. આવામાં ઈંગ્લેન્ડની ટીમ જો ઓછા અંતરથી પણ શ્રીલંકાને હરાવે છે તો તેની રનરેટ ઑસ્ટ્રેલિયા કરતાં સારી રહેશે. આ રીતે તે સેમિફાઈનલમાં પહોંચી જશે.
સેમિફાઈનલ માટે ઑસ્ટ્રેલિયા હવે સંપૂર્ણ રીતે શ્રીલંકા ઉપર નિર્ભર થઈ ચૂક્યું છે. ઈંગ્લેન્ડ માટે શ્રીલંકા વિરુદ્ધ કરો યા મરો સમી મેચ છે. આ મેચમાં જો ઈંગ્લેન્ડ હારી જાય છે તો ઑસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચી જશે કેમ કે તેના પોઈન્ટ ઈંગ્લેન્ડ કરતા વધુ છે.
ઑસ્ટ્રેલિયાને સૌથી મોટો ઝટકો અફઘાન ટીમે આપ્યો છે. આ મેચમાં ઑસ્ટ્રેલિયાએ 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ તેણે રનરેટ સુધારવા માટે અફઘાનને 106 રને જ રોકવું જરૂરી હતી જે તે કરી શક્યું નહોતું.