રેલવે દ્વારા વિશેષ ટ્રેનના ખાનગી ઓપરેટરને સંચાલન સોંપવાના પ્રયોગમાં નિષ્ફ્ળતા સામે આવી છે. ત્રણ વર્ષ પહેલા ભારતીય રેલ્વે દ્વારા તેજસ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ખાનગી ઓપરેટરોને સોંપવામાં આવ્યું હતું. રેલવેએ આ પ્રયોગ પ્રથમ વખત કર્યો હતો. પરંતુ રેલવેનો આ પ્રયોગ સફળ રહ્યો નથી.
આ વિશેષ ટ્રેનના કારણે રેલવેને 63 કરોડના નુકસાનનો સામનો કરવો પડ્યો છે.ટ્રેનમાં સીટ ખાલી રહે છે આ ઉપરાંત ફેરા ઓછા કરવા છતાં હજુ ખોટના આંકડા કાબુમાં આવ્યા નથી. હાલમાં આ ટ્રેન દેશમાં બે રુટ ઉપર ચાલે છે જેમાં એક ગુજરાતમાં છે.
ટ્રેન બે રુટ ઉપર દોડે છે
હાલમાં તેજસ ટ્રેન દિલ્હીથી લખનૌ અને મુંબઈથી અમદાવાદ સુધી ચલાવવામાં આવે છે. આ બંને ટ્રેનો ભારે ખોટમાં ચાલી રહી છે. દિલ્હીથી કાનપુર સેન્ટ્રલ થઈને લખનૌ જતી તેજસ હાલમાં 27.52 કરોડની ખોટમાં છે. વાસ્તવમાં આ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ટ્રેન ખોટમાં ચાલી રહી છે. જેના કારણે તેજસના ફેરા પણ ઓછા થઈ ગયા છે. પહેલા આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડતી હતી પરંતુ હવે આ રૂટ પર માત્ર ચાર દિવસ ચાલે છે. ટ્રેનમાં દરરોજ 200 થી 250 સીટો ખાલી રહે છે.
ટ્રેનમાં સીટો ખાલી રહેવાના કારણો
ટ્રેનમાં ખાલી સીટો માટે બે મોટા કારણો જણાવવામાં આવી રહ્યા છે. પ્રથમ રાજધાની અને શતાબ્દી તેજસ એક્સપ્રેસથી આગળ ચાલે છે. આ બંને ટ્રેનોમાં મુસાફરોને સારી સુવિધા મળે છે અને તેનું ભાડું પણ તેજસ કરતા ઓછું છે. આવી સ્થિતિમાં લોકો રાજધાની કે શતાબ્દીમાં ટિકિટ ન મળે તો જ તેજસની ટિકિટ લે છે. પ્રાઈવેટ ઓપરેટરો સાથે ટ્રેનને કારણે થતા સતત નુકસાનને જોતા રેલ્વે મંત્રાલયે ખાનગી ઓપરેટરને બીજી ટ્રેન આપવાનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે.
કોરોનાએ બાજી બગાડી
કોરોના રોગચાળા પછી તેજસની ફ્રીક્વન્સીમાં ફેરફાર કરાયા હતા. મુસાફરોની ઓછી સંખ્યાને કારણે 2019 અને 2022 ની વચ્ચે તે 5 વખત અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. લખનૌ-નવી દિલ્હી રૂટ પર આ ટ્રેને 2019-20માં 2.33 કરોડનો નફો કર્યો હતો. આ પછી કોવિડ દરમિયાન 2020-21માં 16.69 કરોડ અને 2021-22માં 8.50 કરોડનું નુકસાન થયું છે.
નુકસાન કેમ થયું?
રેલવેને 2019માં IRCTCને અમદાવાદ-મુંબઈ અને લખનૌ-દિલ્હી તેજસ ટ્રેનના સંચાલનની જવાબદારી મળી હતી. ત્રણ વર્ષમાં બંને ટ્રેનોની ખોટ વધીને 62.88 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ અંગે IRCTC અધિકારીઓનું કહેવું છે કે, કોરોનામાં લાંબા સમયથી ટ્રેનો બંધ હોવા દરમિયાન પણ રેલવેને ભાડાની ચૂકવણી કરવામાં આવી હતી. આશા છે કે આવનારા દિવસોમાં કોઈ ખોટ નહીં થાય.