ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારત અને પાકિસ્તાનની મેચથી સૌથી મોટી મેચ પણ રમાવાની છે. આ સાથે જ સૌથી વધુ રન કોણ બનાવશે, સૌથી વધુ વિકેટ કોણ લેશે, ફિલ્ડિંગ કોની સૌથી સારી રહેશે, કોણ શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન કરશે? તેવી ચર્ચાઓ થવા લાગી છે. ત્યારે દેશના પૂર્વ સ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કોણ બનાવશે તે અંગે કૉમેન્ટ કરી છે.
ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન કોણ બનાવશે?
ટી-20 વર્લ્ડ કપમાં 22 ઓક્ટોબરથી સુપર-1નો પ્રારંભ થશે. સુપર-12નો પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે. આ સાથે જ 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર મેચ રમાશે. ત્યારે વીરેન્દ્ર સહેવાગે ક્રિકબઝને જણાવ્યું છે કે, બાબર આઝમ આ વર્ષે ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવશે. સેહવાગે આઝમની પ્રશંસા કરતાં કહ્યું કે, તે જબરદસ્ત બેટિંગ કરી રહ્યો છે. તેને બેટિંગ કરતો જોવો ગમે છે. વિરાટની બેટિંગ જે રીતે શાંતિ આપે છે. તેવી જ રીતે બાબરની બેટિંગ જોઈને આનંદ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમમાં સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી પણ જોરદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં તેમાંથી કોઈ ટી -20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની શકે છે. જોકે, સેહવાગે કોઈ ભારતીય બેટ્સમેનને પસંદ કર્યો નથી અને તેણે બાબર આઝમને પસંદ કર્યો છે.
ભારત-પાકની મેચમાં વરસાદનું વિઘ્ન
વરસાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજા બગાડી શકે છે. 23 ઓક્ટોબરને રવિવારે મેલબર્નમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે મેલબોર્નમાં 70 ટકા વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં બંને દેશોના ચાહકો નિરાશ થઈ શકે છે. જોકે, મેચ રમાઇ શકે તે માટે મેલબોર્નમાં વરસાદને પહોંચી વળવા માટે ડ્રેનેજની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે દિવસે હળવો વરસાદ પડે તો આ મેચ રમી શકાશે તેવી માનવામાં આવે છે.
અહીં નોંધનીય છે કે, સેહવાગની ખેલાડીઓની પરખ શાનદાર છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે કહ્યું હતુ કે, ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રતિભાને સૌથી પહેલા સેહવાગે જ ઓળખી હતી. તે સેહવાગની કેપ્ટન્સી હેઠળ દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહ્યો હતો. વિરુએ કહ્યું હતું કે, વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં પણ સારો દેખાવ કરી શકે છે. થોડા સમય બાદ વોર્નરને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં તક મળી અને વોર્નરે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.