નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ICC T20 વર્લ્ડ કપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયા આ સમયે ખૂબ જ આક્રમક રમત બતાવી રહી છે. તાજેતરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે શ્રેણી જીતી છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેડ હોગે દરેકને એક ખેલાડીથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે.
તેનું માનવું છે કે તે એકલા હાથે ભારતને વર્લ્ડ કપ જીતાડી શકે છે.
હોગે કહ્યું, “જો ભારતીય ટીમ આ વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતશે તો તે સૂર્યકુમાર યાદવને કારણે હશે. તે આ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે કારણ કે તે ખૂબ જ સર્જનાત્મક અને કલાત્મક ખેલાડી છે. તેણે આ ટૂંકા ફોર્મેટમાં સદી પણ ફટકારી છે અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે.
જો ઓપનર તેમના માટે એક સારો મંચ તૈયાર કરવામાં સક્ષમ બને છે તો પછી તેઓ 150 રનના સ્કોરને 190 અને 200 રન સુધી પહોંચાડવાની ક્ષમતા રાખે છે. નંબર ચાર પર બેટિંગ કરતાં તેમના પાસે ટી20 ક્રિકેટ ઇતિહાસની સૌથી સારી સ્ટ્રાઇક રેટ છે. તેમની એવરેજ પણ ખુબ જ શાનદાર છે. જો ભારતીય ટીમની વિકેટ ઝડપી પડી જાય છે તો તેઓ આવીને સ્થિતિને સંભાળે છે. ઇનિંગને શાનદાર મોડ આપીને ટીમને એવી સ્થિતિમાં પહોંચાડે છે, જ્યાંથી જીતની સારી એવી તક હોય છે.
સૂર્ય કુમારે કેટલાક મહિના પહેલા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક મોટા ટાર્ગેટનો પીછો કરતાં ધમાકેદાર ટી-20 સદી ફટકારી હતી. 19 જૂલાઇએ નોર્ટિંગહામમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં 55 બોલમાં 14 ફોર અને 6 સિક્સ સાથે 117 રનની ઇનિંગ રમી હતી.