રશિયા અને યુક્રેન બાદ હવે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યુદ્ધ થઈ શકે છે. કારણ કે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર પરીક્ષણના સમાચારને કારણે અમેરિકા તણાવમાં આવી ગયું છે. આ કારણોસર, તેણે તેના સૌથી ખતરનાક એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકનને કોરિયન દ્વીપકલ્પમાં મોકલ્યું છે.
તાજેતરમાં ઉત્તર કોરિયાએ અમેરિકાને મારવામાં સક્ષમ ઇન્ટરકોન્ટિનેન્ટલ ન્યુક્લિયર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. સાઉથ કોરિયાના મીડિયાના જણાવ્યા પ્રમાણે હવે જહાજને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યું છે. મીડિયા આઉટલેટ અરિરાંગ અનુસાર, જહાજ હાલમાં દક્ષિણ કોરિયાના ઉલ્સાન શહેરની પૂર્વમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં છે. એવા પણ અહેવાલ છે કે કાફલો જાપાનના સમુદ્રમાં છે, જેને પૂર્વ સમુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં જાપાની સેના સાથે સૈન્ય અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે પ્યોંગયાંગ 15 એપ્રિલની રજાના દિવસે તેના પ્રથમ પરમાણુ હથિયારોના પરીક્ષણની યોજના બનાવી શકે તે પછી અમેરિકાએ આ પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે 2017 પછી આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચેના સમુદ્રમાં યુદ્ધ જહાજ તૈનાત કરવામાં આવ્યું છે.
2017માં ઉત્તર કોરિયાના મિસાઇલ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણોના કાર્યક્રમના અહેવાલો વચ્ચે યુએસએસ રોનાલ્ડ રીગન, થિયોડોર રૂઝવેલ્ટ અને નિમિત્ઝને તૈનાત કરવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાની યોનહાપ ન્યૂઝ એજન્સીએ અજ્ઞાત સ્ત્રોતોને ટાંકીને જણાવ્યું હતું કે યુએસએસ અબ્રાહમ લિંકન ત્રણથી પાંચ દિવસ સુધી આ વિસ્તારમાં કામ કરશે.