પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાને બુધવારે મોડી રાત્રે પેશાવરમાં એક વિશાળ રેલી બોલાવી હતી. દેશમાં સત્તા પરિવર્તન બાદ પહેલીવાર યોજાયેલી આ રેલીમાં ઈમરાન ખાને વડાપ્રધાન શાહબાઝ શરીફ પર આકરા પ્રહારો કર્યા હતા.
આ દરમિયાન પીટીઆઈ નેતાએ પાકિસ્તાની યુવાનોને સોશિયલ મીડિયા દ્વારા નવા વઝીર-એ-આઝમ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું આહ્વાન કર્યું હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વ પર પ્રહાર કરતાં કહ્યું, આ 1970ના દાયકાનું પાકિસ્તાન નથી, પરંતુ ‘નયા પાકિસ્તાન’ છે જ્યાં લોકોને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે.
વિશાળ જનમેદનીને સંબોધતા પૂર્વ પીએમ ઈમરાને વધુમાં કહ્યું, “આ સોશિયલ મીડિયાનું પાકિસ્તાન છે. આજે દેશમાં 60 મિલિયન મોબાઈલ ફોન છે, જેના દ્વારા યુવાનો પોતાનો અવાજ ઉઠાવે છે. હવે કોઈ તેમનું મોઢું બંધ નહીં કરી શકે.”
ઈમરાન ખાને નવા ચૂંટાયેલા વડા પ્રધાન શાહબાઝ શરીફને સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જે દિવસે અમે આ અંગે અવાજ ઉઠાવીશું તે દિવસે તમને બચવાની જગ્યા પણ નહીં મળે.
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં નવી સરકાર બનતાની સાથે જ ફેડરલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (FIA)એ ઈમરાનની પાર્ટીના 8 કાર્યકરોની ધરપકડ કરી છે. આરોપ છે કે પીટીઆઈ કાર્યકર્તાઓ સેના પ્રમુખ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પ્રચાર કરી રહ્યા હતા. હવે આ મુદ્દે ઈમરાન ખાન ભડકી ગયા છે.
તે જ સમયે, રેલીમાં બોલતા ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનના લોકો શાહબાઝ શરીફને સ્વીકારશે નહીં કારણ કે તે કરોડોથી વધુના ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા છે. પૂર્વ પીએમએ પોતાના આરોપોમાં કહ્યું કે, શાહબાઝ શરીફ વિરુદ્ધ 40 હજાર કરોડના ભ્રષ્ટાચારના કેસ છે. શું તમને લાગે છે કે અમે તેમને અમારા વડા પ્રધાન તરીકે સ્વીકારીશું? જેને આવું લાગે તો તેને કહે કે આ 1970નું પાકિસ્તાન નથી જ્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને વિદેશી દળોની મદદથી હટાવવામાં આવ્યા હતા. આ એક નવું પાકિસ્તાન છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ અને વિપક્ષના ભૂતપૂર્વ નેતા શાહબાઝ શરીફને સોમવારે જ ઈમરાન ખાનની સરકારના પતન પછી દેશની નેશનલ એસેમ્બલી દ્વારા પાકિસ્તાનના 23માં વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો ન કરી શકવાને કારણે ઈમરાન ખાને વડાપ્રધાન પદ પરથી હટી જવું પડ્યું હતું.